સોરઠી બહારવટીયા - ભાગ પહેલો/વાલો નામોરી
તારા જે નામોરી તણા,
ઠુંઠા ઘા થીયા
ઈ પાછા પોઢે ના
વિનતા ભેળા વાલીયા
[હે નામોરીના પુત્ર વાલા ! તારા ઠુંઠા હાથની ગોળીઓના ધા જેના ઉપર થાય, એ લોકો ફરી વાર પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી, મતલબ કે તારા ભડાકા અફર જ હોય છે.]
કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ થળના ઉંટીઆની કતાર ઉભી છે. ઘઉંલા વાનનો, મધ્યમ કદનો અને એક હાથે ઠુંઠો બહારવટીયો બીજા હાથમાં સળગતી જામગ્રીએ બંદૂક હીલોળતો ચોકમાં ટેલી રહ્યો છે. પંખીડું પણ જાણે કે ઝાડવાં ઉપરથી ઉડતું નથી. એ ઠુંઠો આદમી પોતે જ બહારવટીયો વાલો નામોરી, સાવઝ જેવું ગળું ગજાવીને બહારટીયાએ હાક દીધી.
“બેલીડાઓ : લૂંટવાની વાત તો પછી, પ્રથમ પહેલો એ કમજાત સંધીને હાજર કરો, કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે.” બહારવટીયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઉભા રહી ગયા છે. ગામમાંથી કૂતરૂં પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે. જેની એારતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટીયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદુકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને “ એ વાલા ! બાપ વાલા ! તારી ગા'છું !” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તુર્ત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો.
“વાલા ભા ! એ નાપાકને માથે તને રહેમ આવી ગઇ ?” એમ બોલતો એ એારતનો ધણી તલવાર ખેંચીને પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો.
આડા હાથ દઈને વાલો બોલ્યો “બેલી, હવે કાંઈ એને મરાય ? ગા'ની ગરદન કપાય કદિ ? રે'વા દે.”
એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું “એલા સંધીડા, તું ગા' થાછ કે ?”
“સાત વાર તારી ગા'. ”
“તો ભાં કર.”
“ભાં ! ભાં ! ભાં ! ” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો,
“જો ભાઈ, બચાડો ગા' બનીને ભાંભરડા દીયે છે. હવે તારી તરવાર હાલશે ?”
“બસ હવે મારૂં વેર વળી ગયું ”
સંધીને છૂટો કર્યો.
“વાલા ભા !” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું. “ઘરેઘર ફરી વળ્યા.”
"પછી ?” “ઝાઝો માલ તો ન જડ્યો.”
“એમ કેમ ?”
“આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લુગડાં ઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે. ”
“ઠીક, હાલો બેલી !” એવો ટુંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટીયો બંદુકને ખંભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીએાએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે–
મણીઆરડા રે હો ગોરલના સાયબા રે,
મીઠુડી-બોલીવાળો મણીઆર
નીમાણાં નેણાં વાળો મણીઆર
ભમરીયા ભાલાવાળો મણીઆર.
સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટીયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે.
“વાલા ભા ! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો.
“શું છે બેલી ?” વાલાએ ગરવે મ્હોંયે પૂછ્યું.
“આંહી બાઈયું રાસડા રમે છે. હાલો આકડે મધ તૈયા૨ છે. ટપકાવી લઈએ."
“બેલી જૂમલા !” વાલે રાતી આંખ કરીને કહ્યું, “ઓરતુંનાં ડીલ માથે આપણો હાથ પડે તો બહારવટાનો વાવટો સળગી જાય.”
“પણ ત્યારે કાઠીયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો ! અફળ જાય ?”
“સાત સાત વખત અફળ. વાલો બેઈમાન ન્હોય, જૂમલા.” વાલાના પ્રતાપમાં અંજાયેલાં માણસો મુંગે મ્હેાંયે એની પાછળ, મનમાં ને મનમાં એની તારીફ કરતાં કરતાં, ચાલતાં થયાં. વસ્તીમાંથી નીકળીને જેમ સાંઢીઆ રણની રેતીમાં વેગ કરવા લાગ્યા, તેમ તો બંદુકની ગોળીઓ સમી અસલ થળની સાંઢ્યો ઉપર ભુજની ફોજને સૂસવાટા કરતી આવતી ભાળી. ભગાય એવું તો રહ્યું નથી. ઓથ લેવાનું એક પણ ઝાડવું નથી. રેતી ધખધખે છે. ચારે બાજુ ઝાંઝવાં બળી રહ્યાં છે. સાથીઓએ અકળાઈને બુમ પાડી,
“વાલા ! હવે શું ઈલાજ કરશું ? ગોળીએાના મે' વરસતા આવે છે.”
“ઉંટ ઝુકાવો અને ચોફરતા ઉંટ બેસાડી, ઉંટના પગ બાંધી દઈ, વચ્ચે બેસી જાઓ, બેલીડા ! જીવતાં જાનવરનો ગઢ કરી નાખો.”
સબોસબ સાંઢીયા કુંડાળે ઝોકારવામાં આવ્યા, અને વચ્ચે બહારવટીયાનું જૂથ સાંઢીઆના શરીરોની ઓથે લપાઈ બંદુકોમાં દારૂગોળી ધરબવા મંડ્યું.
“મને ભરી ભરીને દેતા જાવ ભાઈઓ !” એમ કહીને વાલે અક્કેક બંદુક ઉપાડી ઉપાડી, પોતાના ઠુંઠા હાથ ઉપર બંદુકની નાળ ટેકવી, ઝીણી આંખે નિશાન લઈ જુદ્ધ આદર્યું. આંહીથી ગોળી છુટે તો સામી ફોજનાં માણસોમાંથી આ અક્કેકને ઠાર કરતી જાય છે અને સામેથી આવતી ગોળીઓ સાંઢીયાના શરીરમાં જ રોકાઈ રહે છે. એવી સનસનાટી અને ગોળીએાની વૃષ્ટિ સાંજ સુધી ચાલુ રહી. દિવસ આથમ્યો અને અંધારૂં ઉતર્યું એટલે બહારવટીયા ઉંટને રણમાં મેલીને નાસી છૂટ્યા.
No comments:
Post a Comment